Type Here to Get Search Results !

National Science Day, Sir C. V. Raman

0

India has gifted the world with many great human beings. Sir C. V. Raman is one of them. We should remember them today.


આ ફેબ્રુઆરીમાં 28 તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. શા માટે ભારતમાં 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે? કેટલીક જાણીતી વિજ્ઞાન સંસ્થા અને અન્ય સંસ્થા તેની ઉજવણી કરે છે. આ સંસ્થાઓ વિજ્ઞાન મેળો કે વિજ્ઞાન વિષયક વાર્તાલાપ ગોઠવે છે. શું તમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણો છો? Did you know about National Science Day? ચાલો ત્યારે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે જાણીએ.













આપ સૌએ નોબલ પારિતોષિક વિશે સાંભળ્યું છે. વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્ર મા મહત્વની સિદ્ધિ માટે નોબલ પારિતોષિક આપવામા આવે છે. એશિયાખંડમા સૌપ્રથમ નોબલ પારિતોષિક ભારતના મહાન વિજ્ઞાની સર સી. વી. રામનને આપવામા આવ્યો છે.


સર સી. વી. રામનનું પુરુ નામ ચંદ્રશેખર વયકન્ટ રામન છે. તેઓનો જન્મ નવેમ્બર 7, 1888માં થયો હતો. તેમનુ જન્મ સ્થળ તેમાંના મામાના ઘરે તમિલનાડુના તિરૂવનાઇકકવલ ગામે થયો હતો. તેઓ બાળપણમા શારીરીક રીતે દુબળા હતાં. તેઓ નાની ઉમ્મરથી જ અનેક ઇનામો, પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવતા હતાં.

તેઓ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. તેથી જ અગિયાર વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી હતી. તેઓએ એટલી જ કુશળતાથી બે વર્ષ પછી યુનિવર્સિટીની ઇન્ટર ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ કરી હતી. તેમની આ નિપુણતા માટે તેમને શિષ્યવૃત્તિ મળી હતી. પછી તેઓ મદ્રાસની ખ્યાતનામ પ્રેસિડેન્સી કૉલેજમાં સ્નાતકનાં અભ્યાસમાં જોડાયા હતા. તેમને સ્નાતક અભ્યાસમાં અંગ્રેજી સાથે મુખ્ય વિષય ભૌતિક વિજ્ઞાન રાખ્યો હતો. આખી કૉલેજમાં આટલી નાની વયના સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તે સમયે તેમની વય ફક્ત 13 જ વર્ષ હતી. અંગ્રેજીના તેમના વ્યાખ્યાતા ઇલિયટને આ વિદ્યાર્થિની આટલી નાની વયે આ સિધ્ધિ માટે અચરજ થઈ હતી.


બી. એ. થયા પછી રામનને આગળ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલવાનું વિચાર્યું હતું પરંતુ મદ્રાસના સિવિલ સર્જનના મત અનુસાર દુર્બળ પ્રકૃતિના રામન ઇંગ્લેન્ડના વાતાવરણની કઠોરતા સહન કરવા માટે અસમર્થ હતા. આથી તેમણે તે જ કોલેજમાં તેમના પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન સાથે એમ.એ. કરવાનું નક્કી કર્યું. તે સમયના પ્રેસિડન્સી કોલેજ ના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરે રામનને અભ્યાસ સાથે ઘણી શૈક્ષણિક છૂટછાટો આપી હતી. તેથી અહીં તે અભ્યાસની સાથે પોતાને ગમે તે પ્રયોગો કરતા હતા. આ માટે તેમને કોઈ માર્ગદર્શન મળતું ન હતું. તે સમયે કોલેજમાં જે સાધનો ઉપલબ્ધ હતા તેના મદદથી તેમણે સંશોધન કાર્ય આગળ ધપાવ્યું. શરૂઆતમાં તેમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેમણે જાતે એક સંશોધન લેખ તૈયાર કર્યો હતો અને તેમના પ્રોફેસરને વાંચવા આપ્યો હતો. પરંતુ ત્રણ મહિના સુધી પ્રોફેસરે તે લેખ જોયો ન હતો આથી તેમણે જાતે સંશોધન લેખ ને બરાબર તૈયાર કરી લંડનના ફિલોસોફિકલ મેગેઝિનમાં મોકલ્યો. તેમનો આ સંશોધન લેખ નવેમ્બર, ૧૯૦૬માં છપાયો. રામનની આ અનેરી સિદ્ધિ હતી. ત્યારબાદ તે સામયિકમાં તેમનો બીજો સંશોધન લેખ પ્રવાહીના પૃષ્ઠતાણ અંગે નો છપાયો હતો. ઈ. સ. ૧૯૦૭માં તેમણે એમ.એ. ભૌતિક વિજ્ઞાન ની પરીક્ષા પ્રથમ કક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ કરી હતી. આપ અંગેના બધા જ ચંદ્રકો અને ઇનામો રામનને જ મળ્યા હતા.


તેમની તબિયતના કારણે તેઓ બીજા દેશમાં જઈ શકે તેમ ન હતા આથી તેમણે સરકારી નોકરીમાં જવાનું વિચાર્યું. આ માટે તેમણે દેશમાં શ્રેષ્ઠ ગણાતી ફાઈનાન્સિયલ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પરીક્ષામાં પણ તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. આ દરમિયાન તેમના લગ્ન લોક સુંદરી સાથે લેવાયા. તે સમયે ભારતનું પાટનગર કલકત્તા હતું. કલકત્તામાં તેઓ નાયાબ એકાઉન્ટ જનરલ તરીકે નિમણૂંક થયા. તેમના પત્ની પણ તેમની સાથે કલકત્તા આવ્યા અને નાની વગર સારી રીતે ચલાવીને પતિને બધી જ રીતે સહકાર અને સાથ આપ્યો હતો.


એક દિવસ તે ઓફિસ જતા હતા તે સમયે રસ્તામાં રામને 'ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સ' નામની સંસ્થા નું બોર્ડ જોયું. આ સંસ્થા સદગત ડૉ. મહેન્દ્રલાલ સરકારે લોકોમાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ઊભી કરી હતી. રામનને આ સંસ્થામાં પ્રયોગો કરવાની મંજૂરી મળી ગઈ. હવે તે સવારમાં વહેલા ઘરે થી નીકળી અહીં આવી જતા અને સંશોધન પ્રવૃત્તિના કામે લાગી જતા. ઓફિસનો સમય થતાં સંસ્થાથી સીધા ઓફિસે જતા. સાંજે ઓફિસેથી ફરીથી પાછા અહીં આવતા અને રાત્રે મોડા સુધી પ્રયોગો અને સંશોધનમાં ડૂબી જતા. આ રીતે તેમની રુચિ પ્રમાણેની સંશોધન પ્રવૃત્તિ ફરી એકવાર ખીલી ઊઠી.


સંસ્થાની સ્થાપના બાદ ત્રણ દાયકા પછી રામનનું પ્રથમ સંશોધન પેપર પ્રસિદ્ધ સામયિક 'પ્રોસિડિંગ્સ ઓફ રોયલ સોસાયટી' લંડનમાં છપાયું. આ દરમિયાન તેમણે લખેલા સંશોધન પેપરોને આધારે રામનને 'વુડબર્ન સંશોધન મેડલ' આપવામાં આવ્યો હતો. બીજા દેશ દ્વારા થયેલું આ તેમનું પ્રથમ સન્માન હતું. રામને આ સંસ્થાનું પોતાનું ત્રીમાસિક સામાયિક શરૂ કર્યું હતું. આ સંસ્થા તેની સ્થાપનાના ત્રણ દાયકા બાદ વધુ સુવ્યવસ્થિત અને સજ્જ બની હતી. અહીંના વિજ્ઞાનને અને સંશોધન કાર્ય સંપૂર્ણ રીતે રામન સમર્પિત હતા.


આ સમય દરમિયાન કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ ન્યાયમૂર્તિ સર આસુતોષ મુખરજીએ સી. વી. રામનને યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાવાનું આમંત્રણ પાઠવ્યું. તે સમયે સરકારી નોકરીમાં પગાર રૂ. 1100/- હતો. જ્યારે યુનિવર્સિટીમાં પગાર રૂપિયા 600/- આપવામાં આવતો હતો. આમ છતાં રામને પોતાના સંશોધન પ્રેમ અને વિજ્ઞાન શિક્ષણને લીધે આમંત્રણ સ્વીકાર્યું.


1917માં રામન સરકારી નોકરીમાં રાજીનામું આપી કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. હવે તેઓ સવાર-સાંજ એસોસિએશનમાં અને બપોરના સમયે સિનિયર સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના વિકાસ અને સંશોધન કાર્યમાં લાગી ગયા. ઈ. સ. 1919માં એસોસિએશનના માનદ સેક્રેટરી શ્રી અમૃતલાલ સરકાર નું નિધન થયું. એસોસિએશનના નવા સેક્રેટરી તરીકે રામનની નિયુક્તિ કરવામાં આવી. ઈ. સ. ૧૯૨૧માં કલકત્તા યુનિવર્સિટીએ રામનને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી તેમનું સન્માન કર્યું. હવે તે ડૉ. સી. વી. રામન બન્યા. ઈ. સ. ૧૯૨૧માં તેમણે તેમની પ્રથમ વિદેશ યાત્રા કરી. અહીં ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ ખાતે તેમની મુલાકાત લોર્ડ રૂથરફોર્ડ, જે. જે. થોમસન જેવા વિશ્વ વિખ્યાત વિજ્ઞાનીઓને મળવાની તેમજ તેમની સાથે વિચારોની આપ-લે કરવાની તક મળી. રામનના માથા ઉપરની મદ્રાસી પાઘડી ને લીધે આ વૈજ્ઞાનિક તેમને ઓળખી ગયા હતા.


ભારત પાછા ફરતી વખતે તેમની આ સફર ઐતિહાસિક બની રહી. આ જ દરિયાઈ સફર દરમિયાન ભૂમધ્ય સમુદ્રના જળના ભૂરા રંગથી રામન ખૂબ જ પ્રભાવિત થયા હતા. પાણીના અણુઓ વડે પ્રકાશ કિરણનું વિચલન થતા પ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર થાય છે. જેના પરિણામે દરિયાનો વાદળી રંગ દેખાય છે. તેવી જ રીતે જ્યારે પ્રકાશ કિરણ રાસાયણિક સંયોજનના ધૂળના રજકણથી સહિતના પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે ક્યારે આપાતકિરણની દિશા સિવાયની બીજી દિશામાં પ્રકાશનો થોડો અંશતઃ અર્વિભાવ થાય છે. પ્રકીર્ણન પામેલા પ્રકાશના મોટા ભાગમાં તરંગલંબાઇમાં ફેરફાર થતો નથી પણ તેના એક નાના હિસ્સાની તરંગ લંબાઈ આપાત પ્રકાશની તરંગલંબાઈ કરતા બદલાય છે. હવે તેમનો સંશોધન શોખ પ્રકાશના પ્રકીર્ણન તરફ વળ્યો હતો. જેમાંથી છેવટે નોબેલ પારિતોષિક તરફ દોરી જતી 'રામન અસર' ની શોધ થઈ.


રામનના કાર્ય થી આકર્ષાઈને 1922માં શ્રી કે. આર. રામનાથન મદ્રાસ યુનિવર્સિટીની સ્કોલરશીપ મેળવીને રામન સાથે સંશોધનકાર્ય કરવા કલકત્તા આવ્યા. રામનાથન કલકત્તા ખાતેના સંશોધન કાર્ય કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે એક ઘટના નિહાળી જેને પાછળથી 'ક્ષીણ પ્રસ્ફુરણ' નામ આપવામાં આવ્યું હતું. આ ઘટનાને લાંબા સમય સુધી સમજી શકાઈ ન હતી. પરંતુ આ જ ઘટના અંતે 'રામન અસર'ની વિશ્વ પ્રસિદ્ધ ઘટના તરફ દોરી ગઈ હતી. આ જ ડૉ. કે. આર. રામનાથન રામનના હાથ નીચે ડિગ્રી મેળવનાર પ્રથમ વિદ્યાર્થી હતા.


36 વર્ષની ઉંમરે જ ૧૯૨૪માં રામનને ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ ફેલો તરીકે ચૂંટી કાઢયા હતા અને તે FRSનું સન્માન પામ્યા. ૧૯૨૪માં તેમણે બીજી વિદેશ યાત્રા કરી, આ વખતે તે યુરોપ, અમેરિકા અને કેનેડા સુધી જઈ આવ્યા. હવે તેમનું કામ વધુ વ્યવસ્થિત થયું હતું અને કામ કરવાની પદ્ધતિમાં પણ સુધારો થયો હતો. હવે સંશોધન કાર્યમાં તેમનું ધ્યાન પ્રકાશના વેરવિખેર થવાના ગુણ એટલે કે પ્રકાશના પ્રકીર્ણન તરફ કેન્દ્રિત કર્યું હતું. હવે તેમને ના સમજી શકાયેલી ઘટના ક્ષીણ પ્રસ્ફુરણ પણ સમજવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી ૨૮, ૧૯૨૮માં તેમણે તેમની આ ઐતિહાસિક શોધ 'રામન અસર'ની જાહેરાત કરી.


તેમણે દર્શાવ્યું કે, જ્યારે પ્રકાશ કોઇ પદાર્થ ઉપર આપાત થાય છે ત્યારે તે પદાર્થ આપાત પ્રકાશનું શોષણ કરે છે, પરાવર્તન કરે છે કે તેમાંથી પારગમન કરાવે છે. આ ઉપરાંત પણ તે પ્રકાશનું વેરવિખેરણ એટલે કે પ્રકીર્ણન પણ કરી શકે છે. કલકત્તામાં એસોસીએશનની પ્રયોગશાળામાં આ નવી શોધથી ખૂબ જ મોટી ઉત્તેજના ફેલાઈ હતી. દેશ-વિદેશથી મુલાકાતીઓ રામનની મુલાકાત લેવા આવતા હતા અને આ નવી શોધ 'રામન અસર' માટે અભિનંદન પાઠવતા હતા. આ નવી શોધ માટે ૧૯૩૦નું ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક રામનને એનાયત કરવામાં આવ્યું. ભારત દેશની અંગ્રેજ સરકારે તેમને "સર" ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. સમગ્ર એશિયાના વિજ્ઞાનીઓ પૈકી સૌથી મોટું મળેલું સન્માન આ હતું. હવે તે સર સી વી રામન તરીકે ઓળખાવા લાગ્યા. ચારે બાજુથી તેમના ઉપર સન્માનની વરસાદ થવા લાગી. હવે રામન સિદ્ધિના શિખરે હતા.


બેંગ્લોરની પ્રતિષ્ઠિત સંસ્થા 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ' ના નિયામક પદે સામાન્ય રીતે અત્યાર સુધી વિદેશી વિજ્ઞાનીઓની નિમણૂક થતી હતી. આ સમયે આ પદ માટે નયા નિયામકની ખોજ ચાલતી હતી જ્યારે લંડન પૂછાવવામાં આવ્યું ત્યારે ત્યાંથી સી. વી. રામનના નામની ભલામણ કરવામાં આવી. ૧૯૩૨માં રામન કલકત્તા છોડી બેંગ્લોરની વિજ્ઞાન સંસ્થામાં નિયામક તરીકે જોડાયા. આપણે ૧૯૩૮માં આ નિયામક પદ છોડીને કેવળ ભૌતિક શાસ્ત્રના પ્રોફેસર પદે રહેવાનું ચાલુ રાખ્યું. અત્યારના સમયમાં બેંગ્લોરની આ 'ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ' દેશની વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની એક પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય છે.

૧૯૬૪માં તેમને 'ભારત રત્ન'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.


૨૧ નવેમ્બર, ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રહેઠાણમાં તેમનું નિધન થયું. તેમણે સંસ્થામાં જાતે ઉછેરેલા કેટલાય વૃક્ષો અને પુષ્પો તેમને શાંત ચિત્તે શોકાંજલિ આપતા હતા. તેમના અગ્નિસંસ્કાર પણ ત્યાં જ કરાયા. હવે ત્યાં રામ નથી પણ તેમની અને તેમના કાર્યોની સુવાસ ચારે તરફ ફેલાયેલી છે. આ મહાન ભારતીય વૈજ્ઞાનિકની યાદ તાજી કરતી આરસની તકતી પણ ત્યાં મોજૂદ છે.


કલકત્તા ખાતે રામન અસર ની શોધ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ જાહેર કરવામાં આવી હતી. પ્રો. રામનાથનની જન્મતારીખ પણ ૨૮ ફેબ્રુઆરી હતી. આથી આ મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધની યાદમાં ભારત સરકારે ફેબ્રુઆરી ૨૮ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો છે.


રામને તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશનું પ્રકીર્ણન, ધ્વનિ, પ્રકાશ, રંગ, ડાયમંડ, તેમજ સ્ફટિકનું ભૌતિકવિજ્ઞાન, ફૂલોના રંગો, દ્રષ્ટિ આ ઉપરાંત અનેક ક્ષેત્રે અગત્યનું સંશોધન કાર્ય કર્યું હતું. તેમના કુલ ૪૬૫ પ્રકાશનો પ્રકાશિત થયા હતા. તે પૈકી ૩ મદ્રાસથી, ૧૭૭ કલકત્તાથી અને બાકીના બેંગ્લોરથી પ્રકાશિત થયા હતા. ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ, બેંગ્લોર તરફથી ૧૯૮૮માં રામનના તમામ લખાણોને વિષય પ્રમાણે ગોઠવીને કુલ છ ખંડોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. 


ભારતના આ મહાન વૈજ્ઞાનિકને આપણા શતકોટી વંદન.

Home  🏡  

ઉપયોગી માહિતી માટે બ્લોગ ઉપયોગી માહિતી માટે  

સરકારી ભરતી, સરકારી સહાય યોજના, મહિલા માટેની યોજના, હોસ્ટેલ, મફત સાયકલ અને અન્ય જુદી જુદી યોજના વિશે વાંચવા માટે લિંક  https://icanhow.blogspot.com/p/my-favourite-menu-i-love-menu.html   છે. જરૂર વાંચો શેર કરો જેથી કોઈને અને અન્યને મદદ મળી શકે.

અન્ય ઉપયોગી જાણકારી

 સરકારની સહાય યોજનાઓ અહીં વાંચો. 

અન્ય કોઈ નોકરીઓ વિચારતી હોય તો આ બ્લોગ જરૂર વાંચો.

ભારતના મહાન વિજ્ઞાની વિશે રસપ્રદ માહિતી અહીં વાંચો ::





વીર ક્રાંતિકારીઓ વિશે ઓછી જાણીતી માહિતી અહિં વાંચો.



અમારો બ્લોગ નિયમિત અપડેટ થાય છે.  ફોલો જરૂર  બનો. આ બ્લોગ લીંક તમારા તમામ ગ્રુપમાં શેર કરો જેથી અન્યને મદદ મળી શકે અને અમને પ્રોત્સાહન મળે. #icanhow #RpgtParivar #tutorspost



Post a Comment

0 Comments